રાજકોટમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન પરંપરા અને અર્વાચીન આયોજનનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. મહાકાલેશ્વર ગરબી મંડળે 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આયોજક ભૂષણભાઈ બુંદેલાના માર્ગદર્શન હેઠળ 4થી 11 વર્ષની 19 5 બાળાઓ માતાજીના મિક્સ ગરબા સહિત સાત પ્રકારના રાસની રમઝટ બોલાવે છે. ડાકલા, ભૂવા અને નગર મેં જોગી આયા જેવા વિશેષ રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. દશેરાએ તમામ બાળાઓને લ્હાણી આપવા સાથે ગરબી નિહાળવા આવતા આશરે 500 લોકોને રોજ પ્રસાદ પીરસવામાં આવે છે. બીજી તરફ્, કરણપરાની શ્રી અંબિકા ગરબી 45 વર્ષથી શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત રાખી રહી છે. આયોજક કિરીટભાઈ પાંધી દ્વારા આ વર્ષે સાદગીભર્યું આયોજન કરી માત્ર સ્ટીરિયોના સૂર પર 32 બાળાઓને ગરબે રમાડવામાં આવે છે. માડી તારા અઘોર નગારા જેવા વિશેષ રાસ માણવા ભક્તો ઉમટી પડે છે. આયોજન ભલે સાદું બન્યું હોય, પરંતુ માતાજી પ્રત્યેની આસ્થા આજે પણ અડગ છે. રાજકોટમાં આયોજિત રાસવીલા રાસોત્સવમાં રંગ, ઉમંગ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ તાલબદ્ધ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સંગીતના સૂર અને ઢોલના તાલે સમગ્ર માહોલ ઉત્સવમય બન્યો હતો. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલોએ પણ રાસોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રંગબેરંગી રોશની અને ગરબાની રમઝટ વચ્ચે રાજકોટમાં રાસોત્સવનો રંગ બરાબર જામ્યો હતો.
