રાજકોટમાં એર શો બાદ સાંજે અટલ સરોવર ફરવા આવેલા એક પરિવારને ચકડોળની રાઈડમાં બેસીને મજા માણવાનું ચકડોળ ઓપરેટરની બેદરકારીને કારણ ભારે પડી ગયું હતું. છેલ્લી રાઈડમાં બેઠેલા આ પરિવારને હવામાં લટકાવી ચકડોળ બંધ કરીને ઓપરેટર ચાલ્યો જતા 30 મિનિટ સુધી આ પરિવાર હવામાં લટકતો રહ્યો હતો. આવી બેદરકારી દાખવનાર ઓપરેટર સામે કાર્યવાહી કરવા તેમજ આવું શા કારણસર બન્યું તેનો ખુલાસો કરવા મનપાએ અટલ સરોવરની સંચાલક કયુબ કંપનીને નોટિસ પાઠવી છે. કયુબના સંચાલકો દ્વારા ઓપરેટરને તાકિદથી સસ્પેન્ડ કરી દેવાયો છે.


રવિવારે અટલ સરોવર ગયેલા એક પરિવારના બે મહિલા, એક બાળક અને એક પુરુષ ચાર સદસ્યો રાતે 10.30 આસપાસ ચકડોળમાં બેઠા હતા. 100 ફૂટની ઊંચાઈ ધરાવતા ચકડોળના રાઉન્ડમાં પરિવાર ખુશ હતો પણ અચાનક રાઈડ બંધ થઈ. બધાએ ત્યારે માન્યું કે, બીજા લોકોને બેસાડવા માટે રાઈડ બંધ થઈ છે પણ સતત 10 મિનિટ સુધી રાઈડ બંધ રહેતા ચકડોળમાં ઉપર રહેલો પરિવાર મુંઝવણમાં મૂકાયો હતો. પરિવાર આકાશમાં 100 ફૂટ ઊંચે હતો ત્યારે છેલ્લો રાઉન્ડ હતો અને ઓપરેટરનો સમય પૂરો થતા તેણે ચોકસાઈ રાખ્યા વગર ચાલતી પકડી હતી. નીચે લાઈટો પણ બંધ થવા લાગતા પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાંથી પસાર થયેલા એક વ્યક્તિએ સિક્યુરિટી ગાર્ડને આ બાબતે જાણ કરતા ગાર્ડે એવું જણાવીને ટાળ્યા હતા કે મેન્ટેનન્સ સ્ટાફ કામ કરી રહ્યો હશે. પરિવારે મોબાઈલથી કોલ કરીને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી મદદ માગી હતી. દરમિયાન ફરી આ પરિવારે બૂમાબૂમ કરી તે કોઈએ સાંભળતા ઈલેકટ્રીકનું કામકાજ સંભાળતા વ્યક્તિને જાણ કરતા તેણે ચકડોળ ચાલુ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન અન્ય જાણકાર પણ આવી જતા પરિવારને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ આવી હતી જો કે તેમને કોઈ કામગીરી કરવી પડી ન હતી.

નોટિસ ફટકારી અને ફુલપ્રૂફ વ્યવસ્થા કરવા કહ્યું છેઃ ડી.એમ.સી.

અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો હવાલો સંભાળતા ડી.એમ.સી. નંદાણીએ કહયું હતું કે, મનપાએ અટલ સરોવરનુ સંચાલન કરતી એજન્સીને નોટિસ પાઠવી છે અને ફુલપ્રુફ વ્યવસ્થા કરવા કહ્યું છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જયારે રાઈડ બંધ કરવાનો સમય થાય ત્યારે બધી રાઈડના બધા બોકસ ચેક કરીને પછી જ બંધ કરવા જણાવાયું છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: