રાજકોટમાં નવરાત્રિ પર્વ દરમિયાન પ્રાચીન ગરબીની પરંપરા અને અર્વાચીન રાસોત્સવનો ટેક્નોલોજીનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. એક તરફ્ સોરઠિયાવાડી સર્કલ પાસે વર્ષોથી યોજાતી પવનપુત્ર ગરબી મંડળની બાળાઓ વિવિધ રાસ રજૂ કરી રહી છે, તો બીજી તરફ્ નવા 150 ફૂટ રિંગરોડ પર આવેલા કડવા પાટીદાર સમાજના ક્લબ યુવીના નવરાત્રિ મહોત્સવમાં 'પૃથ્વી' નામનો રોબોટ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યો હતો.પવનપુત્ર ગરબીમાં આ વર્ષે 32 બાળાઓ ભાગ લઈ રહી છે. બાળાઓ દ્વારા પ્રખ્યાત મહિષાસુર રાસ (અલખ નિરંજન), જગન્નાથ રથનો રાસ, મારા મેલડી અને નવો અંબેમાનો રાસ રજૂ કરવામાં આવે છે. આ રાસની તૈયારી માટે બાળાઓ નોરતાના સવા મહિના પહેલાંથી જ પ્રેક્ટિસ કરી રહી છે. રોજની લહાણી ઉપરાંત મોટી લહાણીઓમાં બાળાઓને સરપ્રાઇઝ પણ આપવામાં આવે છે.બીજી તરફ્, ક્લબ યુવીમાં ત્રીજા નોરતે પ્રથમ વખત રજૂ થયેલા 'પૃથ્વી' રોબોટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માનવની જેમ ચાલવાની, તાળી પાડવાની અને ગરબાના સ્ટેપ લેવાની ક્ષમતા ધરાવતા રોબોટે ખેલૈયાઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. આમ, રાજકોટની નવરાત્રિમાં પરંપરાગત સંસ્કૃતિની સાથે આધુનિક ટેક્નોલોજીનો તાલ પણ જોવા મળી રહ્યો છે.