રાજકોટમાં થોરાળા પાસેના કુબલીયાપારામાં ઉછીના આપેલા નાણાંના મામલે ખૂની ખેલ ખેલાયો હતો. 60 હજાર રૂપિયાની લેતી-દેતીના મામલામાં ત્રણ સગા ભાણેજોએ મળીને પોતાના જ સગા મામા પર જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મામાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ થોરાળા મેઈન રોડ પર રહેતા અને શાક બકાલુ વેંચી ચીનાભાઈ હરીભાઈ જાડેજા (ઉ.52) તા.2-11ના રોજ કુબલીયા પરામાં હતા ત્યારે તેના ભાણેજ કમલેશ રાજેશભાઈ પરમાર તેમજ તેના ભાઈઓ વિજય અને અમિત ઘસી આવ્યા હતા અને તમે કેમ પૈસા પાછા આપતા નથી કહી ઉધરાણી કરી ઝઘડો કર્યો હતો. તેમજ કમલેશએ છરી કાઢીને એક ઘા ઝીંકી દિધો હતો. બનાવમાં લોકો એકઠા થઈ જતા ભાણેજોએ ધમકી આપી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ચીનાભાઈને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઈ શકિતસિંહ સોઢા સહિતે તપાસ કરતા મૃતક ચીનાભાઈને 8 સંતાનો હોવાનુ અને શાક બકાલુ વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અગાઉ સાત માસ પૂર્વે બિમારીની સારવાર માટે ભાણેજ પાસેથી રૂ.60 હજાર લીધા હતા. જે આર્થીક પરિસ્થિતી સારી ન હોય સમયસર પરત ન આપી શકતા ભાણેજો અવાર નવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાનું તેમજ હુમલો કરી ભાણેજોએ ચીનાભાઈના મકાનમાં આગ પણ ચાંપી હોવાનુ બહાર આવતા પોલીસે અગાઉ મારામારી સહિતનો ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી કરી છે.
