રાજકોટમાં નવરાત્રીના પર્વ પૂર્વે જ લૂંટની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. નાનામવા સર્કલથી સાગર ચોક તરફ્ જવાના રસ્તે બપોરે આશરે 2:30 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બે શખ્સો રૂ.11 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, ભકિતનગરમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા (ઉં.વ.44) અને તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.32) બાઈક પર રૂ.11 લાખ ભરેલો થેલો લઈને હરદેવસિંહના સાઢુભાઈના ઘરે આ રકમ પહોંચાડવા નીકળ્યા હતા. દરમિયાન નાનામવા સર્કલથી સાગર ચોક તરફ્ જવાના રસ્તે બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની પાસેથી નાણાં ભરેલો થેલો લૂંટી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. જાહેર માર્ગ પર બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હરદેવસિંહે લોન લઈને પોતાના ભાણેજ ધીરેન્દ્રસિંહને ધંધાના કામકાજ માટે નાણાં આપ્યાં હતાં. ધીરેન્દ્રસિંહે ધંધામાંથી આ રકમ કમાઈ લીધા બાદ મામા સાથે મળીને હરદેવસિંહના સાઢુભાઈને રૂ.11 લાખ પહોંચાડવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટનાની વિગતો અને નાણાંની હેરફેરને ધ્યાનમાં રાખીને પોલીસે ધીરેન્દ્રસિંહને શંકાના દાયરામાં રાખી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ્, લૂંટને અંજામ આપનાર બંને શખ્સોને પોલીસે સકંજામાં લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનામાં નાણાંની હેરફેર, લૂંટની હકીકત અને સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસના અંતે જ ઘટનાની સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
