આજકાલ સોશિયલ મીડિયા પર જેની ભારે ચર્ચા ચાલી રહી છે તે કપલ સ્વેપિંગના દૂષણનો ભોગ રાજકોટની એક મહિલા સાડા ત્રણ વર્ષ પહેલાં જ બની ચૂકી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભોગ બનનાર મહિલાએ 'સંદેશ' સાથેની ખાસ વાતચીતમાં પોતાની સાથે થયેલા અન્યાય અને આ કાળા કારોબારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.


મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી સંપર્ક થયા બાદ તેના લગ્ન સુરતમાં થયા હતા. પીડિતાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, લગ્નના ગણતરીના મહિનાઓમાં જ તેના પતિ દ્વારા તેને 'કપલ સ્વેપિંગ' એટલે કે અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક વખત જ્યારે આ દંપતી પોતાના જેઠના ઘરે કાર મૂકવા ગયું, ત્યારે ત્યાં અગાઉથી જ 3-4 અજાણ્યા કપલ્સ હાજર મળી આવ્યા હતા. ત્યાંની શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ મહિલાએ પોલીસ બોલાવવાની જીદ કરતા પતિ ગભરાઈ ગયો હતો. પતિએ કાલાવાલા કરતા કહ્યું હતું કે, 'આપણે આવું કશું જ નથી કરવું, જો પોલીસ આવશે તો આખા પરિવારનું નામ બદનામ થશે.' કુટુંબની આબરૂ ખાતર મહિલાએ પોલીસ બોલાવી ન હતી, પરંતુ પતિની દાનત બગડેલી જ રહી હતી. જ્યારે મહિલાએ આ વિકૃત માગણીનો વિરોધ કર્યો, ત્યારે પતિ દ્વારા તેને ઢોર માર મારીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જ્યારે મહિલાએ આ આખાય હવસના કૌભાંડને સમાજ અને કાયદા સામે એક્સપોઝ કરવાની સંપૂર્ણ તૈયારીઓ બતાવી, ત્યારે પતિએ પોતાનો બચાવ કરવા માટે વર્ષ 2023ના ઓગસ્ટ માસમાં સુરત કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી. એટલું જ નહીં, પરિણીતાને ઘરમાંથી પણ હાંકી કાઢવામાં આવી હતી, જેથી તે હાલ પોતાના વતનમાં આશરો લઈ રહી છે. હાલમાં આ મામલે પીડિતા પણ ન્યાય મેળવવા માટે રાજકોટની ફેમિલી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છૂટાછેડા માટેની લડત લડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: