સવાર પડતાં જ મોટાભાગના ફ્ટિનેસ પ્રેમીઓ જીમ કે ગાર્ડનની વાટ પકડતા હોય છે, પરંતુ રાજકોટમાં ફ્ટિનેસ ક્ષેત્રે એક અનોખો અને રોમાંચક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક નાગરિકો માટે સૂર્યોદય હવે 'ઘોડા'ની પીઠ પર થઈ રહ્યો છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા સ્વ. આર.ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ (રાજકોટ ગ્રામ્ય પોલીસ હોર્સ રાઈડિંગ સ્કૂલ) ખાતે સૂર્ય ઊગે તે પહેલાં જ અશ્વસવારી શીખવા માટે યુવાનો અને ફ્ટિનેસ પ્રેમીઓનો જમાવડો જોવા મળે છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર માર્ગદર્શન હેઠળ કાર્યરત આ ક્લબ હવે જિમ સંસ્કૃતિની વચ્ચે એક નવો ક્રેઝ બનીને ઉભરી આવી છે.
અશ્વ તાલીમ શાળાના પોલીસ ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ, નાગરિકો માટે અહીં ત્રણ-ત્રણ માસના બેઝિક અને એડવાન્સ એમ બે કોર્સ ચલાવવામાં આવે છે. બેઝિક કોર્સમાં ઘોડાની નજીક જવાથી લઈને પ્રાથમિક સવારી શીખવવામાં આવે છે, જ્યારે એડવાન્સ કોર્સમાં વોકિંગ, ટ્રોટિંગ અને કેન્ટરિંગ જેવી સઘન સવારીની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે 14 વર્ષથી વધુ વયની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ જોડાવા માટે પાત્ર છે. વિદ્યાર્થીઓ માટે રૂ. 3,000 અને અન્ય નાગરિકો માટે રૂ. 6,000 ફી રાખવામાં આવી છે. દરેક બેચમાં સરેરાશ 30થી 40 તાલીમાર્થીઓ હોય છે, જેમાં 50 ટકા જેટલી સંખ્યા યુવાનોની રહે છે. હાલમાં વેકેશન અને બદલાતા ફ્ટિનેસ ટ્રેન્ડના કારણે જુલાઈથી શરૂ થયેલી બેચ બાદ પણ 125થી વધુ લોકોનું વેઈટિંગ લિસ્ટ બોલી રહ્યું છે, જેમાં ડોક્ટર્સથી લઈને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અશ્વસવારી માત્ર એક રમત કે સ્ટેટ્સ સિમ્બોલ નથી, પરંતુ શરીર માટે એક અત્યંત શક્તિશાળી 'ફુલ-બોડી વર્કઆઉટ' છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 30 મિનિટની સવારીમાં સરેરાશ 150થી 300થી વધુ કેલેરી બર્ન થાય છે. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ઘોડેસવારી એ 30 મિનિટની મધ્યમ દોડ કે સાઈકલિંગ જેટલી જ ઉત્તમ કાર્ડિયોવાસ્ક્યુલર કસરત પૂરી પાડે છે. ઘોડાની ગતિ સાથે સંતુલન જાળવવાથી કોર મસલ્સ, લોઅર બેક અને સાથળના સ્નાયુઓ ટોન થાય છે તેમજ લીન મસલ માસ વધતાં શરીરનો મેટાબોલિક રેટ પણ ઊંચો જાય છે. આ ઉપરાંત પ્રકૃતિના સાનિધ્યમાં અશ્વ સાથેનો તાલમેલ મગજમાં એન્ડોર્ફ્નિ હોર્મોન મુક્ત કરે છે, જે માનસિક તણાવ મુક્ત કરીને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.
