રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત, મોટી પાનેલી ગામમાં વિકાસના કામોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચની જાણ બહાર અને તેમના હુકમ, ઠરાવ કે વર્ક ઓર્ડર (Work Order) વગર જ ભૂગર્ભ ગટરનું કામકાજ અચાનક શરૂ કરી દેવાયું હતું. ગામમાં હાલમાં ₹60 લાખના ખર્ચે RCC રોડની કામગીરી ચાલુ છે, જે અંતર્ગત રોડ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. આ ખોદાણ કામકાજની સાથે જ ભૂગર્ભ ગટરના પાઇપ ફિટિંગની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી.
TDOને ફરિયાદ
ગ્રામજનો તરફથી ફરિયાદ મળતાં સરપંચે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક આ બિન-અધિકૃત કામગીરી અટકાવી દીધી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને સરપંચે ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં ફરિયાદ કરી છે. સરપંચે સ્પષ્ટતા કરી છે કે ગ્રામ પંચાયતની જાણ બહાર થયેલા આ કામનું કોઈપણ પ્રકારનું બિલ ચૂકવણું કરવામાં ન આવે. બીજી તરફ, ઉપસરપંચે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો સરપંચને અવળે માર્ગે ચડાવી રહ્યા છે અને તેઓ વિકાસના કાર્યોમાં 'વિઘ્ન સંતોષી' બનીને અવરોધ ઊભો કરી રહ્યા છે. સરપંચ અને ઉપસરપંચની આ સામ-સામી આક્ષેપબાજીને કારણે ગામમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો RCC રોડ બની જાય તે પહેલા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું ફિટિંગ નહીં થાય અને પાછળથી વર્ક ઓર્ડર પાસ થશે, તો ફરી એકવાર નવો રોડ તોડીને ગટરનું કામ કરવું પડશે, જેના કારણે ગામ લોકોને ભવિષ્યમાં મોટી પરેશાનીનો સામનો કરવો પડશે.













