મહાપાલિકા તંત્ર રાજકોટ માટે સ્માર્ટ સિટીના દાવા કરતું આવ્યું છે, પણ ચોમાસું આવતાં જ આ દાવાનું સૂરસૂરિયું થઈ જાય છે. કારણ કે રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાં પડવાને કારણે થતો પાણીનો ભરાવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાસી જાય છે. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો નમૂનો રૈયા સ્મશાન તરફ્ એટલે કે સ્માર્ટ સિટી એરિયા તરફ્ જતા રસ્તા પર જોવા મળી રહ્યો છે.

હાલ ચોમાસાની શરૂઆતમાં જ આ આખો રોડ બિસ્માર બની ગયો છે. રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા છે અને કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે. સ્મશાન યાત્રામાં જતા ડાઘુઓ, સ્થાનિક રહીશો અને વાહનચાલકો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને રોજ અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.આ અંગે RMCના સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા અઢી મહિનાથી અહીં રોડનું કામ ચાલુ છે અને આ કામ આવતા ચોમાસા પહેલા પૂરું થઈ જશે. વોર્ડ નં.1માં આવતા રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી 45 મીટરના ડીપી રોડની કામગીરી 17 ટકા થઈ છે. જેમાં કેબલ સહિત માટેના અન્ડગ્રાઉન્ડ પાઈપ મૂકવા, ડ્રેનેજ પાઈપ લાઈ, કમ્પાઉન્ડ વોલ, વરસાદી પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે.