રાજકોટના મુખ્ય માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના હાર્દ સમાન 150 ફૂટ રિંગ રોડ પર એક ઓવરસ્પીડ કારે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર સીધી BRTS રૂટની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાર BRTSની મજબૂત રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી અને રેલિંગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે BRTS ટ્રેકમાં કોઈ બસ પસાર થઈ રહી નહોતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. કારમાં સવાર લોકોને પણ કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી, જે રાહતની વાત છે.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડ અંગે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ હવે ટ્રાફિક પોલીસ ગતિ મર્યાદાના નિયમોનું કડક પાલન કરાવે તેવી માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો