રાજકોટમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું શાળાના મેદાનમાં વોલીબોલ રમતા રમતા અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને યુવાઓમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ પર ગંભીર ચિંતા ઊભી કરી છે.
મેદાન પર જ ઢળી પડ્યો વિદ્યાર્થી
મળતી માહિતી મુજબ, રાજકોટની જાણીતી SNK સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો 18 વર્ષીય આદિત્ય વાછાણી સોમવારે સ્કૂલ કેમ્પસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વોલીબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન જ તે અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.શાળાના શિક્ષકો અને સ્ટાફ તાત્કાલિક આદિત્યને સારવાર અર્થે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું.










