રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો છે. જમવામાં જીવાત અને પાણીમાં ગંદકી જેવી પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગંદા ભોજન અને અશુદ્ધ પાણીથી વિદ્યાર્થીઓ પરેશાન
સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમને પીરસવામાં આવતા ભોજનમાં અવારનવાર જીવાત નીકળે છે. આટલું જ નહીં, હોસ્ટેલમાં પીવાનું પાણી પણ અશુદ્ધ અને ગંદુ આવતું હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં મેસ સંચાલકો કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.
લિફ્ટ બંધ હોવાથી 8 માળ ચઢવાની નોબત
હોસ્ટેલની માળખાગત સુવિધાઓ પણ રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલની લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે. લિફ્ટ ખોટકાયેલી હોવાથી વિદ્યાર્થીઓને ભારે પુસ્તકો અને સામાન સાથે 8-8 માળ સુધી દાદર ચઢીને જવું પડે છે, જે અત્યંત મુશ્કેલીભર્યું છે.
તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ તમામ પ્રશ્નો અંગે અગાઉ પણ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હોસ્ટેલ પ્રશાસન દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી ભોજન અને લિફ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ