વિદેશ જવાની અને ત્યાં સ્થાયી થવાની લાલચમાં લોકો ઘણીવાર અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જ્યાં ઓસ્ટ્રેલિયામાં PR મેળવવાના ચક્કરમાં એક યુવકે તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે રાજકોટની ભક્તિનગર પોલીસે સંડોવાયેલા ભુવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાથી થઈ હતી મુલાકાત

અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો અંકિત પરમાર સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટના તાંત્રિક સતીશ ધામીના સંપર્કમાં આવ્યો હતો. અંકિતને ઓસ્ટ્રેલિયામાં PR મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, જેનો ફાયદો ઉઠાવી સતીશ ધામીએ તેને વિધિ દ્વારા કામ કરાવી આપવાની લાલચ આપી હતી.

વીડિયો કોલ પર 'ઓનલાઇન' તાંત્રિક વિધિ

આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે આરોપી સતીશ ધામી ઓસ્ટ્રેલિયા રહેતા અંકિતને વીડિયો કોલ દ્વારા તાંત્રિક વિધિ કરાવતો હતો. આ વિધિના બહાને તેણે અંકિત પાસેથી કટકે-કટકે કુલ ₹24.23 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા અંકિતના પિતા જયંતીભાઈ પરમારે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદમાં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ

ભક્તિનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી ભુવા સતીશ ધામીની અટકાયત કરી છે. પોલીસે કાર સહિત કુલ ₹12.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.તાંત્રિક જે એકાઉન્ટમાં પૈસા મેળવતો હતો તે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે કે તેણે અન્ય કોઈને આ રીતે નિશાન બનાવ્યા છે કે કેમ.

આ પણ વાંચો: Vadodara: ટ્રાફિક અને અકસ્માત નિવારવા કોર્પોરેશનનો સપાટો, વોર્ડ 6 અને 7માં દબાણ હટાવ ઝુંબેશ