રાજ્યમાં આજે એકસાથે અનેક શહેરોમાં આવેલી પોસ્ટ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. મોરબી, ભાવનગર અને રાજકોટમાં આવેલા મહત્વના વહીવટી મથકો પર ધમકીભર્યા મેઈલ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.
મોરબી પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન
મોરબીની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તાત્કાલિક ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં 10 દિવસમાં બીજીવાર ધમકી
ભાવનગરમાં પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બ અને સાયનાઈડ ભરેલી બોટલોથી વિસ્ફોટ કરવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ૧૦ દિવસમાં આ બીજીવાર ધમકી મળી છે. મેઈલ કરનારે ઉલ્લેખ કર્યો છે કે તે 'પોલીસની કામગીરી ચેક કરવા' માટે આવું કરી રહ્યો છે. SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમે તમામ કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.
રાજકોટ પોસ્ટ ઓફિસને પણ ધમકી
રાજકોટમાં પાસપોર્ટ ઓફિસ બાદ હવે સદર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat: ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, લાખોની રોકડ પણ જપ્ત