ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ અને કચ્છ બાદ હવે જામનગર અને દ્વારકાના શિવરાજપુર બીચ પર પણ કુદરતી આફત ત્રાટકી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જામનગર-ખંભાળિયા હાઇવે પર વરસાદ
જામનગર ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઇવે પર અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, તો બીજી તરફ આ પંથકમાં ઉભા પાકને લઈ ખેડૂતો પર સંકટના વાદળો છવાયા છે. ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
શિવરાજપુર બીચ પર ભારે તારાજી અને નાસભાગ
દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર વાતાવરણના પલટાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક ફૂંકાયેલા અતિભારે પવનને કારણે બીચ પર ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અચાનક આવેલા વાવાઝોડા જેવા પવનથી સહેલાણીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બીચ પર રાખવામાં આવેલી સુવિધાઓ અને શેડને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.
રાજકોટ અને કચ્છમાં પણ માવઠાની અસર
રાજકોટમાં કરા સાથે વરસાદ અને કચ્છમાં 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દ્વારકામાં પણ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને બાજરીના પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો - Ahmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો