સૌરાષ્ટ્ર-કચ્છમાં જેઠ મહિનો પુરો થઈ ગયો છે પરંતુ હજુ ચોમાસાના કોઈ એંધાણ નહી હોવાથી ખેડુતોમાં ચોમાસાને લઈ ગરમી જેવો જ ઉચાટ છે જો ચોમાસામાં વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્રમાં પાણીની હાડમારી સર્જાવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 81 ડેમમાંથી 29 ડેમના તળીયા દેખાઈ ગયા છે બાકીના બાવન ડેમમાં પાણીનો નહીવત જથ્થો છે.
પાંચ જિલ્લામાંથી દ્વારકા જિલ્લામાં અત્યારે માત્ર 3.45 ટકા, જામનગર જિલ્લામાં 15.27 ટકા, મોરબી જિલ્લામાં 24.89 ટકા, રાજકોટ જિલ્લામાં 29.41 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 23.45 ટકા જ જળ જથ્થો હોવાનો સરકારી તંત્રએ દાવો કર્યો છે. આથી સૌરાષ્ટ્રના તમામ 141 ડેમનો આધાર હવે એક માત્ર સરદાર સરોવર ડેમ ઉપર જ છે. સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવી રહ્યા છે જો સરદાર સરોવરનું પાણી બંધ કરવામાં આવશે તો આગોતરૂ વાવેતર કરનાર ખેડુતોને હાડમારીનો સામનો કરવો પડશે.










