રાજકોટ શહેરના વોર્ડ નંબર 6 માં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શક્તિ સોસાયટી સહિતના વિસ્તારોની મહિલાઓએ આજે એકત્રિત થઈને કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કર્યો હતો. હાથમાં બેનરો અને "પાણી જોઈતું હોય તો અમારી સાથે જોડાઓ" ના નારા સાથે મહિલાઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી તેઓ પાણીના ટીપાં માટે તરસી રહી છે. આ બાબતે અગાઉ કોર્પોરેટર અને ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રોષે ભરાયેલી મહિલાઓએ માંગ કરી હતી કે ધારાસભ્ય અને કોર્પોરેટર ઉદય કાનગડ જાતે તેમના ઘરે આવીને તેમને મળે અને સમસ્યાનો ઉકેલ લાવે. મહિલાઓએ ચીમકી આપી છે કે, "અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં."
વોર્ડ નં. 6 માં પાણીની પારાયણ
ખાસ કરીને શિયાળામાં જ પાણીની આવી ગંભીર સ્થિતિ જોઈને મહિલાઓ ચિંતિત છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "અત્યારથી જો આવી સ્થિતિ છે, તો કાળઝાળ ઉનાળામાં અમે શું કરીશું?" બીજી તરફ, આ સમગ્ર મામલે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પરેશ પીપળીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે અને હાલ તેની ટ્રાયલ ચાલી રહી છે. નવી પાઇપલાઇનને કારણે પાણીના ફોર્સમાં ઘટાડો થયો છે જેના લીધે છેલ્લા 20 દિવસથી ફરિયાદો મળી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ટ્રાયલ પૂર્ણ કરી દેવામાં આવશે અને ઝડપી ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. તંત્રના આશ્વાસન છતાં, વારંવારની નિષ્ફળ રજૂઆતોથી કંટાળેલા સ્થાનિકો હવે આરપારની લડાઈના મૂડમાં છે. જો આગામી દિવસોમાં પાણીનો ફોર્સ નહીં વધે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી રહીશોએ દર્શાવી છે.













