આદિવાસી સમાજના મહાનાયક અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિના અવસરે રાજપીપળાના આંબેડકર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહના અંતિમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં નારી શક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતાએ મહિલાઓની વિશાળ ઉપસ્થિતિ બદલ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ ઘરના ખૂણે રહેતી નારી આજે 50 ટકા અનામત અને સરકારી પ્રોત્સાહન થકી અગ્રીમ હરોળમાં સ્થાન પામી છે. આ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર નારીના સ્વપ્નને સાકાર કરે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકાર દીકરીના જન્મથી લઈ તેના શિક્ષણ, સ્વાસ્થ્ય અને કારકિર્દીની સંપૂર્ણ ચિંતા કરે છે, તેમજ ડિજિટલ ક્રાંતિને કારણે હવે લાંબી લાઈનો કે કાગળિયા વિના એક જ ક્લિક પર યોજનાઓની માહિતી ઉપલબ્ધ બની છે. 

કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સોશિયલ મીડિયાના યુગમાં ખોટી વાતોથી દૂર રહી સાચો નિર્ણય લેવા પર ભાર મૂક્યો હતો અને પરિવાર તથા લોકશાહીમાં બહેનોના મહત્વપૂર્ણ સ્થાનને બિરદાવ્યું હતું. વધુમાં, આરોગ્ય, શિક્ષણ અને ખેતી સહિતના ક્ષેત્રોમાં સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરી, તેમણે સૌને કોઈની ખોટી વાતોમાં ન આવવા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આંખ સમક્ષ રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીહુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો