રાજપીપળાના ભદામ ગામે તા.7 જુલાઈ 2026 ની સાંજે ગ્રામજનો અને ખાણ ખનીજ વિભાગ સામ સામે આવી ગયા હતા. ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઘેરી લઇને ઉગ્ર રજૂઆત કરતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ ભદામ ગામની સીમમાંથી પંચાયતના ઠરાવ સાથે ગામના માર્ગો ઉપર પડેલા ખાડા પુરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નર્મદા ખાણ ખનીજ વિભાગની પેટ્રોલીંગ ટીમ દ્વારા આ મુદ્દે ટ્રેકટર રોકી રોયલ્ટીની માંગ કરી હતી, જેમાં સરપંચ અને સદસ્યો દ્વારા આ કામગીરી ગ્રામ પંચાયતની મંજૂરીથી કરવામાં આવતી હોવાની દલીલો કરી હતી પણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ગ્રામજનોની વાત નહીં માની રૂ.45,000 દંડ ઓનલાઈન ફ્ટકારી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને દંડ રદ કરવાની માંગ લઈ ખનીજ વિભાગની ગાડીને ઘેરી લીધી હતી.

જેથી ગાડીમાં ચાલક સહિતના ખનિજ વિભાગના અધિકારીએ પોતાની જાતને ગાડીમાં જ કેદ કરી લીધી હતી અને ગ્રામજનોના અનુરોધ છતાં તેઓ ગાડી બહાર ઉતર્યા નોહતા, આ ઘટનાક્રમ આશરે 5 થી 6 કલાક સુધી ચાલ્યો હતો, અને ગ્રામજનોનો ટોળું વધતું જઈ રહ્યું હતું, તે દરમિયાનમા પોલીસે આવીને મધ્યસ્થી કરી ગાડીમાં બેઠેલાં ખનીજ વિભાગના અધિકારી સહિતનાઓને ઉગાર્યા હતા. પરંતુ દંડની રકમ પરત ન લેવાય તેમ જાણવા મળે છે કારણ કે નિયમ મુજબ એક વખત દંડ ફ્ટકારી દેવાયા બાદ તેને પરત લેવાની કોઈ જોગવાઈ નથી એમ જાણવા મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો