નર્મદા જિલ્લામાં રાજપીપળા નગર પાલિકા ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતની તા.26 એપ્રિલ-2026, રવિવારના રોજ યોજાનાર ચૂંટણી માટે અને મતદાન ગણતરી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. પાલિકામાં 29 અને જિલ્લા-તાલુકા પંચાયત માટે 607 મળીને કુલ 636 મતદાન મથકો ઉપર મતદાન થશે.
આ પ્રેસ કોન્ફ્રન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પંચાયત મતદાર વિભાગની કુલ-22 બેઠકો તથા નાંદોદ તાલુકાની 18, તિલકવાડા તાલુકાની-16, ગરૂડેશ્વર તાલુકાની-16, દેડિયાપાડા તાલુકાની-18, ચીકદા તાલુકાની-16 અને સાગબારા તાલુકાની 18 એમ કુલ 102 બેઠકો તથા રાજપીપલા નગરપાલિકા 7 વોર્ડની 26 બેઠકોની ચૂંટણી થનાર છે. વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકામા પુરૂષ 11,884 સ્ત્રી 12,873 તથા અન્ય-1 મળી કુલ 24,058 મતદારો તથા પંચાયત ચૂંટણીઓ માટે પુરૂષ 2,09,943 સ્ત્રી 2,05758અને અન્ય -3 એમ કુલ મળી 4,15,704 મતદારો મતદાન કરનાર છે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે કુલ 29 મતદાન મથકો તથા જિલ્લા/તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ 607 મળીને કુલ 636 મતદાન મથકો ખાતે કુલ 3650 મેનપાવરની ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જ્યારે પોલિસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1762 મેન પાવર ફરજ બજાવનાર છે. આ સિવાય પોલીસ વિભાગ દ્વારા કુલ 54 જેટલા રૂટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે.










