રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી પસાર થઈ રહેલો એક ભારે માલવાહક ટ્રક અચાનક ચાલકના કાબૂ બહાર ગયો હતો. સ્પીડ વધુ હોવાના કારણે ટ્રક પુલની મજબૂત રેલિંગ તોડીને સીધો નદીના પટમાં નીચે ખાબક્યો હતો. પુલ પરથી અંદાજે ઊંચાઈ પરથી નીચે પછાડાતા જ ટ્રકના એન્જિન અને ડીઝલ ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખો ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો.
પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક નીચે પડતાં જ કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે અંદર બેસેલા વ્યક્તિને બહાર નીકળવાની કે દરવાજો ખોલવાની કોઈ તક જ મળી ન હતી. બીજી જ સેકન્ડે લાગેલી ભીષણ આગની લપેટમાં આખો ટ્રક આવી જતાં અંદર ફસાયેલો વ્યક્તિ જીવતો જ ભડથું થઈ ગયો હતો. પુલ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને રાજુલા પોલીસનો કાફલો, ફાયર ફાઇટરો અને 112ની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી ગઈ હતી.










