રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી સર્જાતી ટ્રાફ્કિની સમસ્યાનો પ્રશ્ન છે. જેને હળવી કરવાના હેતુથી સિવિલ હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતો આશરે 400 મીટરનો નવો માર્ગ રૂ.80 લાખના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ શરૂ થતાં માર્કેટિંગ યાર્ડની ગોળાઈ પાસે સર્જાતી ટ્રાફ્કિની સમસ્યામાં રાહત મળવાની આશા છે. હાલમાં માર્ગનું પીસીસી કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ લોખંડ પાથરી આર.સી.સી. રોડ બનાવવામાં આવશે. બાંધકામમાં નબળા કે જરૂરિયાત કરતાં પાતળા લોખંડનો ઉપયોગ ન થાય અને ટેક્નિકલ માપદંડો મુજબ યોગ્ય ગુણવત્તાનું તથા મજબૂત લોખંડ વાપરવામાં આવે તેવી વિસ્તારના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ માર્ગ પરથી એસટી બસો, ખાનગી બસો, ટ્રકો સહિત દરરોજ મોટી સંખ્યામાં ભારે અને હળવાં વાહનોની અવરજવર થવાની છે. આ ઉપરાંત આસપાસની અંદાજે 50 નાની-મોટી સોસાયટીઓના રહેવાસીઓ તેમજ રાજુલા શહેરના વેપારીઓ માટે પણ આ માર્ગ મહત્ત્વનો બની રહેશે. ત્યારે આ રસ્તો લાંબા સમય સુધી ટકી રહે તે માટે બાંધકામમાં ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. નિયત માપદંડોનું પાલન કરવામાં આવે, લોખંડની ગુણવત્તા અને જથ્થાની ચકાસણી થાય તથા કોન્ટ્રાક્ટર દ્વારા ટકાઉ અનેગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સંબંધિત તંત્ર આ માર્ગના બાંધકામની ગુણવત્તા પર યોગ્ય દેખરેખ રાખી, મજબૂત અને ટકાઉ માર્ગનું નિર્માણ કરે એવી માંગ ઉઠી છે.
