સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના રાજેટા ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. કલછાવડ ગામથી લગ્ન પ્રસંગ પતાવીને કાંલીકાર પરત ફરી રહેલી જાનૈયાઓથી ખિચોખિચ ભરેલી એક કમાંડર જીપ અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ સાઈડના ખાડામાં ખાબકીને પલટી મારી ગઈ હતી. જીપ પલટી જતાં જ લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે કલ્પાંત અને ચીસાચીસ મચી ગઈ હતી, જેને સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.


ઈજાગ્રસ્ત જાનૈયાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

આ ભયાનક અકસ્માતમાં જીપમાં સવાર 20થી વધુ લોકોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સની મદદથી તમામ લોહીલુહાણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની પોશીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર રહેતા સ્થાનિકોમાં રોષ

અકસ્માત બાદ જ્યારે ઈજાગ્રસ્તોને પોશીના સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં કોઈ સરકારી ડોક્ટર હાજર ન હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. ઈમરજન્સીના સમયે જ ડોક્ટર ન મળતાં ઘાયલોની હાલત વધુ કફોડી બની હતી, જેને પગલે નછૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં અને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવા પડ્યા હતા. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારી અને સંવેદનહીનતાને કારણે સ્થાનિક રહીશો અને ઇજાગ્રસ્તોના સગા-સંબંધીઓમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: