વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરતા ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિનો ચિતાર આપ્યો હતો. પીએમ મોદીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, સાણંદમાં બનનારી સેમિકન્ડક્ટર વસ્તુઓ હવે અમેરિકા જશે અને ત્યાંથી આખા વિશ્વમાં તેનો પુરવઠો પહોંચાડવામાં આવશે. આ સાથે જ સાણંદ અને અમેરિકાની પ્રસિદ્ધ સિલિકોન વેલી વચ્ચે એક નવો અને મજબૂત ટેકનોલોજીકલ બ્રિજ બની ગયો છે.
પહેલો જથ્થો નિકાસ માટે બુક
પીએમ મોદીએ એક મહત્વની માહિતી આપતા કહ્યું કે, "મને જણાવવામાં આવ્યું છે કે સાણંદના આ પ્લાન્ટમાં બનનારો પહેલો જથ્થો (બેચ) નિકાસ માટે પહેલેથી જ બુક થઈ ગયો છે." આ પ્લાન્ટ કેલિફોર્નિયાની અગ્રણી કંપનીઓ માટે ઇન્ટેલિજેન્ટ પાવર મોડ્યુલ પૂરા પાડશે. આ સિદ્ધિ દર્શાવે છે કે વિશ્વના બજારમાં ભારતીય ટેકનોલોજીની માંગ કેટલી ઝડપથી વધી રહી છે.
