સાણંદના મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી.

ત્રણ શહેરોની ફાયર ફાઈટિંગ ટીમ તૈનાત

આગની ગંભીરતાને જોતા સ્થાનિક સ્તરેથી મદદ માંગવામાં આવી હતી. ઘટનાસ્થળે અમદાવાદ, સાણંદ અને બાવળાની ફાયર ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ફાયર બ્રિગેડની અંદાજે 5થી વધુ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ફેક્ટરીની અંદર રહેલા માલસામાનને કારણે આગ અંદરના ભાગે વધુ ફેલાઈ છે.

સદ્દનસીબે કોઇ જાનહાનિ નહીં

મળતી માહિતી મુજબ, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આગમાં કંપનીનો મશીનરી અને કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચું કારણ અને નુકસાનનો અંદાજ જાણી શકાશે.


  • Follow us on: