સાણંદ પાસેનાં મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેપર વેસ્ટની કંપનીમાં તા.8મીને ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યાનાં સુમારે અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને તેની પાસે આવેલી પેકેજીગ બોક્ષની કંપનીને પણ ઝપટમાં લઈ લીધી હતી. ફાયરને જાણ કરાતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બંને કંપનીની મોટાભાગની માલ-મત્તા બળાને ખાખ થઈ ગઈ હતી.

બનાવની વધુમાં વિગત એવી છે કે મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં સોપાન કેશરમાં આવેલી શ્રી હરિ પેપર જે પેપર વેસ્ટની કંપની છે. જેમાં સવારે લગભગ 6 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી હતી અને જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં માલિક કાળુભાઈ મનુભાઈ પટેલ(રહે. મોરૈયા)ને ઘટનાની જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તેથી તુરંત જ લાશ્કરોએ ફાયરફાઈટર સાથે ધસી આવીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ કંપનીમા પેપરના રોલ હોવાથી ઝડપથી આગ પ્રસરી ગઈ હતી અને તેની બાજુમાં આવેલી પિંગેક્સ કંપની કે જે પંકજીંગ બોક્ષની કંપની છે તેને પણ ઝપટમાં લઈલીધી હતી અને તેનું પણ રો મટીરીયલ્સ પેપર હોવાથી ત્યાં પણ ઝડપથી આગ પ્રસરી હતી અને આખી કંપનીમાં આગ પ્રસરી જવા પામી હતી ફાયરબ્રિગેડ 1 સાણંદ, 1 બાવળા તેમજ અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશનનાં 4 મળીને કુલ 6 ફાયર ફાઈટર દ્વારા સતત પણીનો મારો ચલાવવામાં આવવા છતાં પણ સાંજ સુધી આગ કાબુમાં આવી ન હતી. મોરૈયા વિસ્તારની આસપાસનાં વોટર સપ્લાયર્સે પણ પાણીના ટેન્કર દ્વારા ફાયરફાઈટરને પાણી પુરુ પાડયું હતું. કોઈ વ્યક્તિને કર્મચારીને કોઈ ઈજા કે નુકશાન થવા પામ્યું નથી પરંતુ બંન્ને કંપનીની માલ-મત્તા બળીને ખાખ થતા મોટું નકશાન થવાની ભીતિ છે.