છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામ નજીક એક ખેતરમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની છે. ખેડૂતે સાત વીઘા જમીનમાં મકાઈનો પાક તૈયાર કર્યો હતો અને તેને કાપીને વેચાણ માટે તૈયાર રાખ્યો હતો. આ સમયે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં સમગ્ર પાક ભસ્મીભૂત થઈ ગયો હતો. ધોમધખતા ઉનાળામાં આગની આ ઘટનાએ ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરી દીધો છે.
ખેતરમાં ભીષણ આગ લાગતા મકાઈનો પાક બળીને ખાખ
ખેતરમાં મકાઈ તોડીને ઢગલા કરી તૈયાર રાખવામાં આવી હતી. કોઈ અકબંધ કારણોસર આગ લાગતા તે સૂકી મકાઈમાં ઝડપથી ફેલાઈ હતી. ખેતરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પવન અને ગરમીને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ખેડૂતની આખા વર્ષની મહેનત મિનિટોમાં જ રાખમાં ફેરવાઈ ગઈ હતી.













