સાયણ બાલાજી એસ્ટેટમાં યાર્ન બનાવતી એક ફેક્ટરીમાં રવિવારે સવારે અચાનક ભભૂકેલી


આગને કારણે યાર્ન અને મશીનરી સંપૂર્ણ બળીને સ્વાહા થઈ ગઈ હતી. જેથી ફેક્ટરી માલિકને એક કરોડથી વધુ

રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાય રહ્યો છે.

કાપોદ્રા વિસ્તારની મમતા સોસાયટીમાં રહેતા જીગર જીવરાજભાઈ રોયની ઓલપાડ તાલુકાના

સાયણ ગામની સીમમાં બાલાજી એસ્ટેટમાં યાર્ન બનાવતી કૈલાશ ટેક્સટાઇલ નામની ફેક્ટરી ભાડેથી

રાખી છે. આ ફેક્ટરીમાં રવિવાર, તા. 07ના રોજ સવારે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના પહેલા માળ ઉપર ભરેલા યાર્નના સ્ટોકમાં

અચાનક આગ ભભૂકી હતી. જેથી આગમાંથી નીકળતો ધુમાડાના ગોટા ટેરેસની ઉપરના ભાગે પહોંચતા ઉપર રૂમમાં ફસાયેલા

કારીગરોએ પોતાની જાન બચાવવા પાછળના ભાગે આવેલી એક અન્ય ફેક્ટરીની છત પર પહોંચી સીડી

વાટે ઉતરી નીચે આવી જતા તમામ કારીગરોનો આબાદ બચાવ થયો હતો. જો કે આગ દુર્ઘટનાની જાણ થતા સુરત ફાયર

સ્ટેશનમાં કોલ કરાયો હતો. જેથી સાયણ આઉટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર સ્ટેશનને કોલ થકી સૂચવેલ

આગ દુર્ઘટનાનાં લોકેશનમાં ફેરફાર હોવાથી ફાયરબ્રિગેડના જવાનોની બે ટીમ ઘટનાસ્થળે થોડીક

મોડી પહોંચી હતી. ફેક્ટરી દીવાલની આશરે 100 ફૂટ લંબાઈ હોવાથી ફાયર જવાનોને આગળના ભાગેથી પાણીનો છંટકાવ

કરવામાં મુશ્કેલી પડી હતી. જેથી જે.સી.બી. મશીન મંગાવી ફેક્ટરીની સાઈટની દીવાલ તોડી બાજુના ખુલ્લા પ્લોટમાંથી આગ ઉપર કાબૂ

મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ સમયે વિકરાળ બનેલી આગ કાબૂમાં આવે

પહેલા બન્ને બંબાનું પાણી ખલાસ થઈ જતાં જીવનરક્ષા હોસ્પિટલ તથા આસપાસથી પાણી ભરીને

આગની જ્વાળા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર ખાતાના

જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ બુઝાઈ તે પહેલા ફેક્ટરીમાં યાર્નનો જમા સ્ટોક અને મશીનરી બળીને ખાખ થઈ

ગયો હતો. આ મામલે ફેક્ટરીના માલિકે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનાં

પ્રાથમિક અનુમાન સાથે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: