સાયલા તાલુકાના નોલી ગામમાં આવેલ સરકારી સર્વે નંબરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ કાઢવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇ.જીની ટીમ દ્વારા કરાયેલ આકસ્મીક દરોડામાં ખનીજચોરી ઝડપી લેવામાં આવી હતી.ગામના સ્મશાન પાસે આવેલા સરકારી ખરાબમાં ચાલતા રેતીના ખનન પર કરાયેલ કાર્યવાહીમાં સ્થળ પરથી એક ડમ્પર,લોડર,ટ્રેક્ટર તેમજ રેતી ચાળવાનો ચારણો સહિત 63.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ભૂમાફ્યિા તત્વો માં દોડધામ મચી જવા પામી હતી.
સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ રાજકોટ રેન્જ આઇ.જી ની ટીમ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં ખનીજ ચોરી નું કૌભાંડ પાળીયાદ તાલુકાના નાના છૈડા ગામનો પ્રતાપ વાસ્તુભાઇ ખાચર ચલાવતો હોવાની વિગતો બહાર આવી હતી.તંત્ર દ્વારા આ મામલે જવાબદાર ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર ને જાણ કરતા પકડાયેલા વાહન ચાલકો ના નિવેદનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગામના સ્મશાન નજીક ચાલતું ખનીજચોરીનું કૌભાંડ સ્થાનિક તંત્ર ના ધ્યાને નહોતું કે તેઓની રહેમનજર હેઠળ જ રેતી ઉલેચાતી હતી તે સવાલ પણ ઉઠી રહ્યો છે સાથે સાથે જવાબદાર ધજાળા પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
