થાનગઢ તાલુકાના ચંદ્રેલિયા ગામની ફાટક પાસે મંગળવાર મોડી સાંજે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો.અક્સ્માત માં એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતક વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરવાના આવી હતી. આ બાબતે તપાસ કરતા મૃતકની ઓળખ જયેશ હરિભાઈ પનારા તરીકે થઈ છે. અકસ્માત બાદ મૃતદેહ ને થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે, ઘટના સ્થળ સાયલા કે થાનગઢ પોલીસ મથકની હદમાં આવે છે તે મુદ્દે વિવાદ સર્જાતા પોસ્ટમોર્ટમમાં વિલંબ થયો હોવાનો આક્ષેપ મૃતકના સ્વજનોએ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આશરે 12 કલાક સુધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રઝળતા મૃતકના સ્વજનો રોષે ભરાયાં હતા.યુવકના અકસ્માતમાં મોતના વાવડ મળતા થાનગઢ સરકારી હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે હદના વિવાદને કારણે કાર્યવાહી મોડી થતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સ્થાનિક સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ, કેટલાક યુવાનો છેલ્લા કેટલાક દિવસોથી ચોટીલા - થાનગઢ - મુળી માર્ગ પર બાઇક રેસ લગાવતા હોવાની ચર્ચા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આવી બેદરકાર હરકતોના કારણે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો કે કેમ તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. સાયલા પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસની તજવીજ હાથ ધરી છે. ત્યારે આગામી દિવસોમાં અકસ્માતની સાચી હકીકત ઉજાગર થવાની સંભાવના છે.
