સાયલા તાલુકાના અંતરિયાળ અને મૂળી તેમજ થાન તાલુકાના સીમાડાની ત્રિભેટે આવેલા વિસ્તારોમાં નીકળતા કાર્બોસેલ ખનીજનું બેફામ અને ગેરકાયદે ખનન થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ચોરવીરા ગામની સીમમાં આવેલ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી દરોડો પાડતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી.લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ કરાયેલ કાર્યવાહીમાં લીંબડી, ચૂડા તેમજ સાયલા મામલતદાર કચેરીની ટીમો દ્વારા કરેલ દરોડામાં 7 કોલસાના ચાલુ કુવાઓ મળી આવ્યા હતા.

તંત્ર ની ટીમો દ્વારા કરાયેલ તપાસમાં દરોડા આસપાસના મોટા વિસ્તારમાં કુવાઓ ગાળી તેમાંથી કોલસો કાઢવાની ચાલતી ગેરકાયદે પ્રવૃતિ નો પર્દાફાશ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.વ્હેલી સવાર સુધી ચાલેલી કામગીરી દરમ્યાન ચરખીઓ,મોટર સાયકલો ,કાર્બોસેલ ખનીજ સહિતઅંદાજે પચાસ લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગને સોંપાયો હતો.સાયલા પોલીસ દ્વારા પણ ખનીજ ચોરી સામે લાલ આંખ કરતા કરાયેલ અન્ય એક દરોડામાં તાલુકા ગ્રામ્યના ઇશ્વરીયા ની સીમ માંથી કોલસાના બે કુવાઓ ઝડપી લેવા સાથે કુલ પાંચલાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ચોટીલા,થાન,મુળી તેમજ સાયલા તાલુકામાં તંત્રના અનેક દરોડા ઓ છતાં ખનીજ માફીયાઓ બેલગામ,બેખોફ્ રીતે ખનીજ ઉલેચી રહ્યા છે ત્યારે સરકારે આવા તત્વો સામે કમરતોડ કાયદો બનાવી તેના પર અંકુશ મેળવવો ખૂબ જરૂરી બન્યો છે.