સાયલા - ચોટીલા હાઇવે પર સામતપરના બોર્ડ પાસે આવેલા વેલનાથ આશ્રામના મહંત પર શનિવારે સાંજે તલવાર વડે કરાયેલ હુમલામાં મહંત બળદેવગીરી મનસુખગીરી ગોસ્વામીને ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી નાસી છૂટયો હતો. એથી સાયલા પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે કુકો જગમાલભાઇ ગળધરિયાની શોધખોળ હાથ ધરી તેને ગણતરીના સમયમાં ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો હતો.વેલનાથ આશ્રામમાં હુમલાની ઘટના મામલે ભોગ બનનાર મહંત દ્વારા કરાયેલ ફ્રિયાદમાં ડોળીયા ગામના પ્રકાશ ઉર્ફે કુકો જગમાલભાઇ ગળધરિયા દ્વારા મહંતને આ આશ્રામ છોડી ચાલ્યા જાવ નહીતો જાનથી મારી નાખીશની ધમકી આપી તલવાર વડે આડેધડ ઘા ઝીંક્યા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આશ્રામમાં છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટી તેમજ મહંત તરીકે સેવા આપતા બળદેવગીરી મનસુખગીરી ગોસ્વામી પર થયેલ હુમલા સમયે ત્યાં હાજર તેમના મામા લક્ષ્મણપુરી પાછળ પણ આરોપી તલવાર લઈને મારવા દોડતા તેઓ ભાગવા જતા જમીન પર પડી ગયા હતા અને તેમને પણ ઇજાઓ પહોંચી હતી.
