સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા ડોળીયા બાઉન્ડ્રી પાસે હાઈવે પર ઓવરબ્રિજ ના એક્સપેન્શન જોઇન્ટ તેમજ રોડ પર પડેલા મસ મોટા ખાડાઓ ને મરામત કરવાના લાંબા સમય થી ચાલતા કામ વચ્ચે હાઇવે ઓથોરિટીની અણઘડ કામગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે.તંત્ર દ્વારા નિયમોનો ઉલાળીયો કરી ઓવરબ્રિજ ઉતરતા જ મુકાયેલા ડાઇવર્ઝન માં રવિવારે મોડી રાત્રે એક સાથે પાંચ વાહનો નો અક્સ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ફેરવ્હીલ તેમજ બે ટ્રક ચાલકો ને અંધારામાં અણઘડ રીતે મુકાયેલા ડાઇવર્ઝન માં ઘૂસી જતા થયેલા અકસ્માતમાં વાહનોને મોટું નુકશાન થયાનું અનુમાન છે. આ બાબતે ડોળીયા ના જાગૃત નાગરિક રમેશભાઇ મેરએ જણાવ્યું કે તેઓ દ્વારા હાઈવે ઓથોરિટી ને અવાર નવાર જાણ કરવા છતાં નાગરિકો ની સલામતી માટે ના કોઈ પગલા ભરાતા નથી.અક્સ્માત થયેલ રોડ ના સ્થાન પર મુકાયેલ ડાઇવર્ઝન માં જરૂરી સલામતીનું અંતર ના રખાતા આવી ઘટનાઓ રોજીંદી બની ગયેલી છે.જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર કરાતી રજૂઆતો ને તંત્ર ધ્યાને લેતું ના હોવા સાથે આશરે પંદરથી વીસ દિવસ થી ચાલી રહેલી હાઈવે મરામતની કામગીરી સાવ ધીમી ચાલી રહી હોવાથી બન્ને તરફ્ના સર્વિસ રોડ પર વાહનોની કતારો સર્જાતા ટ્રાફ્કિ જામ ના દ્રશ્યો સામાન્ય બન્યા છે.તાલુકા સંકલનની બેઠકમાં પણ બિસ્માર હાઈવે ની ધીમી કામગીરીના પ્રશ્નો ઉઠવા છતાં હાઈવે ના અધિકારીઓ ના પેટનું પાણી પણ હલતું ના હોવાથી આ કાયમી સમસ્યા સર્જાઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
