તાલુકાના છેવાડે અને થાન પંથકને અડીને આવેલા ઈશ્વરીયા ગામની સીમમાં હિંસક પ્રાણી બે વર્ષ બાદ દેખા દેતા સ્થાનિકોમાં ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે. દીપડા જેવા પ્રાણીએ મારણ કર્યું હોવાની વાતો સાથે વન વિભાગે આ મામલે ત્વરીત કાર્યવાહી હાથ ધરી દીપડાને પકડવા પાંજરું મૂકી તેની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વર્ષ 2013માં સામતપર, ધારાડુંગરી, ધાંધલપુર જેવા ગામોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. તે પછી વર્ષ 2019માં ઢાંકણીયા, કાનપુરમાં પશુનું મારણ કરી દીપડાએ તરખાટ મચાવ્યો હતો તેમજ બે વર્ષ પહેલા કંસાલા ગામમાં પણ જોવા મળ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ આર.એફ્.ઓ ભવાનીસિંહ જાદવે જણાવ્યું હતું કે ઇશ્વરીયા નજીક આવેલ 800 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતું વન વિભાગ હસ્તકનું ચોરવીરા જંગલ દીપડાનું આશ્રાય સ્થાન છે તેમજ ત્યાં તેનો વસવાટ છે. ત્યારે ખોરાકની શોધ માં રાની પશુ બહાર નીકળી શકે છે. તેથી અમે તે માનવ કે માલઢોરને નુકશાન ના પહોંચાડે તે જોતા પકડવા માટે પાંજરું મૂકી દેવાયું છે તેમજ ગ્રામજનોને હમણાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
