સાયલા ગામ તેમજ તાલુકાના સુદામડા, થોરિયાળી, જસાપર સહિતના વિસ્તારોમાં શનિવારે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય બફરા બાદ સાંજના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા પાણી પાણી કરી નાખ્યું હતું. બે દિવસ પહેલા તાલુકા ગ્રામ્યમાં સુદામડા, કસવાળી, સાંગોઈ, શીરવાણીયા સહિતના ગામોમાં પડેલા સારા વરસાદ બાદ શનિવારે થોડીવાર માટે આવેલા ભારે વરસાદથી ખેતીના આગોતરા વાવેતરને ફયદો થવા સાથે જગતના તાતમાં સારા વર્ષની આશા બંધાણી છે. પહેલા ધીમી ધારે અને બાદમાં ધોધમાર ખાબકેલા મેહુલિયાના વહાલથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સાયલાની બજારોમાં તેમજ હાઈવે પરના નીચાણવાળા વિસ્તારોમાં 27 મિમી વરસાદથી પાણી ભરાવવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે જિલ્લા મથક સુરેન્દ્રનગર શહેરમાં શનિવારે મોડી સાંજે આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાઈ જવાની સાથે ધીમીધારે ઝરમર વરસાદ શરુ થયો હતો. જેના પગલે વાતાવરણમાં થોડા અંશે ઠંડક પ્રસરતા શહેરીજનોએ બફારાસભરની ગરમીમાંથી થોડા અંશે રાહત અનુભવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: