સાયલા તાલુકામાં નશીલા પદાર્થો, દ્રવ્યોની ખેતી અને વેપાર અનેકવાર ઝડપાઇ ચૂક્યો હોવા છતાં આ દૂષણ અટકવાનું નામ લેતું નથી. ત્યારે પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે ગામની બહાર આવેલા પેટ્રોલપંપ પાછળ આવેલી એક વાડીમાં રાતના સમયે ઓચિંતો દરોડો પાડતા ગાંજાના જથ્થા સાથે વાડી માલિક એવા એક શખ્સને દબોચી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સાથે આરોપીના કબ્જામાં રાખેલ સાડા સાત કિલોથી વધુનો સૂકો ગાંજો જપ્ત કરતા ફરી એકવાર ખેતીની આડમાં ચાલતા નશાના વેપલાનો પર્દાફશ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયમાં ઝડપથી ફેલાઇ રહેલા વિવિધ પ્રકારના માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણથી યુવાધન બરબાદ થવા સાથે અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે આ બદીને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક પોલીસ સ્ટેશનને અપાયેલ સૂચનાઓ ને લઇ કાર્યવાહીનો દૌર આરંભી દેવામાં આવ્યો છે. સાયલા - મૂળી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાછળની સીમ વિસ્તારની વાડીમાં એક શખ્સ દ્વારા ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારતાં ઓરડીમાં છુપાવેલો 7 કિલો 885 ગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ દરોડા સમયે વાડી માલિક અને ગાંજાનો જથ્થો રાખનાર ગોપાલ જેઠાભાઇ સભાણીને ઝડપી લેતા નશાના વેપલાનો પર્દાફશ થયો હતો.પોલીસની ટીમ દ્વારા ઝડપાયેલ અંદાજે આઠ કિલો જેટલો ગાંજાના જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 3.94 લાખ, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે આરોપી ગોપાલ પટેલ વિરુધ્ધ પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાવ સામાન્ય લાગતા અને ખેતી કરતા ઇસમની વાડીમાંથી નશાકારક સૂકા ગાંજાનો જથ્થો મળી આવતા આશ્ચર્ય સાથે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આરોપી ગોપાલ જેઠાભાઇ સભાણીના કબ્જામાંથી ઝડપાયેલ સુકા ગાંજાનો જથ્થો કોણે મોકલ્યો હતો..?, કોને આપવાનો હતો..?આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે..તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ બાબતે આવનારા સમયમાં અનેક કડાકા ભડાકા થવાની સંભાવના સેવાઈ રહી છે.