સિદ્ધપુરમાં આગામી સમયમાં યોજાનાર કાત્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વિવિધ સ્ટોલ સહિત ચકરડીઓ સહિતની હરાજી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને સિદ્ધપુર નગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત પાલીકા પ્રમુખ દ્વારા નગરપાલિકાના તમામ 36 નગરસેવકો અને પાલિકા કર્મીઓ અને પત્રકારોની ઉપસ્થિતિમાં ખુલ્લી રીતે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેને લઈ નગરસેવકો સહિત નગરજનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકીની પારદર્શક વહીવટ બદલ પ્રસંશા કરવામાં આવી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી. દેવોની નગરી ગણાતાં ધાર્મિક અને માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લાખ્ખોની સંખ્યામાં લોકો સિદ્ધપુરના મેળાની મોજ માણવા માટે આવતાં હોવાથી વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેમાં મેળા દરમિયાન ચકરડીઓ સહિતની નાસ્તા, ખાણીપીણીના સ્ટોલ અને અન્ય વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ બનાવવા ઈચ્છુક લોકો માટે જગ્યાની ફાળવણી અંગે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે ચાલું વર્ષે યોજાનાર કાત્યોકના મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવ્યા બાદ નગરપાલિકાની નવી ચુંટાયેલી પાંખના પાલીકા પ્રમુખ પ્રમુખ રણજિતસિંહ સોલંકી, ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા, ચીફ ઓફિસર કૃપેશ પટેલ, રમતગમત અને સાંસ્કૃતિક સમિતીના ચેરમેન ભાવેશભાઈ રાજ્યગુરૂ તેમજ પાલિકામાં નિયુક્ત તમામ 36 નગરસેવકોની ઉપસ્થિતિમાં ખુલ્લી અને પારદર્શક રીતે હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈ સિદ્ધપુરમાં પ્રથમ વખત જાહેરમાં નગરપાલિકા દ્વારા હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકીના પારદર્શક વહીવટની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે કારણ કે અગાઉ ક્યારેય આટલી પારદર્શક રીતે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી તેવું પાલિકામાં ચર્ચાઈ રહ્યું છે.
