શિનોર ગ્રામ પંચાયત દ્વારા કોલોની, માછીવાડ અને ડબ્બા ફ્ળીયાનાં રહીશોને વારીગૃહનું પાણી ફોર્સથી મળી રહે તે માટે નવા બોરનું ખાતમુહૂર્ત કરતા આનંદની લાગણી છવાઈ છે.

શિનોર ગ્રામ પંચાયતનાં સત્તાધીશો ગામના રહીશોને પાણી, લાઈટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધા મળે તે માટે ચિંતિત છે. હાલમાં પંચાયતનાં સ્વ-ભંડોળ અને સરકારી ગ્રાન્ટની મદદથી દરેક વિસ્તારમાં પેવરબ્લોક, સીસી રસ્તા, તેમજ ગટર લાઈનની સુવિધાનાં વિકાસના કામો સતત ચાલતા હોય ગ્રામજનોને પંચાયતની કામગીરીથી સંતોષ સાથે આનંદની લાગણી જોવા મળેલ છે. કેટલાક સમયથી કોલોની વિસ્તાર માટે બનાવેલ પાણીની ટાંકી, નાના બોર અને મોટરને કારણે પાણી પૂરતા દબાણથી મળતું ના હોવાની બૂમ ઉઠી હતી. જેની ગ્રાન્ટ મંજુર કરાવી આજરોજ 20નો નવા બોર બનાવવા ની કામગીરીનું ખાતમુહૂર્ત ગામ આગેવાન જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સચિન પટેલની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સભ્ય શૈલેષ વસાવા, જયદીપ વસાવા અને ઉપસરપંચ નિતિન ખત્રી દ્વારા શ્રીફ્ળ વધેરી ખાતમુહૂર્ત કરી બોરની કામગીરી શરુ કરાઈ હતી. આ પ્રસંગે ગામ આગેવાને પંચાયતના સતાધીશો સતત ગ્રામજનોની સુવિધાની ચિંતા કરી પ્રાથમિક સુવિધા માટે તત્પર હોય, અને આજે આ નવા બોરનું પાણી કોલોની સહિત આજુબાજુના વિસ્તારમાં પણ ફોર્સથી મળી રહે તે માટેની કામગીરી કરવા બદલ પંચાયત સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોલોની વિસ્તાર અને આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.