શિનોર તાલુકાના માંડવા અને માલસર મુકામે નર્મદા નદી પટમાં નશાકારક દ્રવ્યોનું સેવન થતું હોય કોઈ જાનહાની કે ધમાલ ન થાય તે માટે નાહવા પર પ્રતિબંધ મૂકવાની પંચાયત દ્વારા માંગ કરાઇ છે.

માંડવા મુકામે બાબા પ્યારે દરગાહની બાજુમાં નર્મદા નદી ભાઠામાં નહાવા માટે દૂર દૂરથી લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરીને અને ભારતીય સંસ્કૃતિને ન છાજે તેવા કૃત્યો કરતાં હોવાથી માંડવા ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર શિનોરને જાહેરનામું પ્રસિદ્ધ કરી નાહવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઇ છે. માંડવા ગામે આ અગાઉ નાહવા બાબતે નશો કરીને છેડતીની, કેરીઓની ચોરીની તથા ધક્કા મૂક્કીના પ્રસંગો બન્યા હોવાની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. પણ પોલીસે તેનું સમાધાન કરાવ્યુ હતું. જેથી માંડવા ગામનું વાતાવરણ બગડયું હતું. તે જ રીતે માલસર ગ્રામ પંચાયત દ્વારા પણ શિનોર મામલતદારને 15 દિવસ પહેલા લેખિત અરજ આપીને માલસર નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવા જાણ કરી હતી. જેના કારણે આજરોજ શિનોર મામલતદાર દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કરજણને આ બાબતે બે પંચાયતોની રજૂઆત તથા અગાઉ તણાઈ જવાથી, ડૂબવાથી મોત થયા હતા. તથા મગરનો કાયમી વસવાટ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નાહવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂકવા માટે જાણ કરાયેલ છે. જેની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા ,પોલીસ ઇન્સ્પેક્ટર શિનોરને ઉપરોક્ત બાબતે જરૂરી તકેદારી રાખવા માટે આપી હોવાનું જાણવા મળેલ છે. પ્રતિબંધ હોવા છતાં પણ કરજણ તાલુકાના રણાપુર ગામે નર્મદા નદીમાં,નારેશ્વર મુકામે નર્મદા નદીમાં અને ઓઝ મુકામે નર્મદા નદીમાં નહાવા માટે અધિક માસમાં લોકો ઉમટી રહ્યા છે. જ્યારે તાલુકાના દિવેર મુકામે અગાઉથી પ્રતિબંધ છે.