નવાપુર : તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી ગામ નજીક સુરત-ધુલીયા નેશનલ હાઈવે નં.53 પરના કોંડાઈબારી ઘાટના નીચાણવાળા ભાગે પોલીસ ચોકી નજીક સતત બની રહેલા અકસ્માતોની શ્રેણીમાં બુધવારે બપોરે 3 વાગ્યે વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ધુલીયા શહેરમાં મોતમાં હાજરી આપી સોનગઢ તરફ જઈ રહેલી અલ્ટો કાર ઉપર પાછળથી બ્રેક ફેલ થયેલો ટેન્કર પલટી મારતા સોનગઢના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મહિલા સહિત કારના ચાલકને સારવાર અર્થે નંદુરબાર અને સોનગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે.

સોનગઢ શહેરના મુસ્લિમ ફળિયામાં રહેતા વેપારી શકિલ અબ્દુલ ગફુર (ઉં.વ.43) ગુરુવારે ધુલીયા શહેર ખાતે પરિવાર અને ચાલક સાથે સંબંધીને ત્યાં મરણવિધિમાં હાજરી આપી અલ્ટો કાર (જી.જે.05 સીકે 70262)માં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે 3 વાગ્યાના સમયે કોંડાઈબારી ઘાટમાંથી પ્રસાર થતી વેળા પાછળથી સાબુનું કેમિકલ ભરેલા ટેન્કર (જી.જે.16.એયું.2487)ની અચાનક બ્રેક ફેલ થઈ જતાં ટેન્કરના ચાલકે આગળ ચાલી રહેલા વાહનોને ટક્કર માર્યા બાદ અલ્ટો કાર પર પલટી ગઇ હતી. જેમાં અલ્ટો કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. આગળ બેઠેલા શકિલ અબ્દુલ કુરેશીનું કારમાં દબાઈ જવાથી ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાંં સવાર નજમા અબ્દુલ ગફુર (રહે. સોનગઢ) અંજુમ જમીર શેખ (રહે. વલસાડ) ફર્જાના ફારૂક ખાટીક (રહે. નવાપુર), રાહુલ કુમાર ચૌધરી (રહે. સોનગઢ)ને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે જમીલ અબ્દુલ કુરેશી (રહે. મુસ્લિમ ફળિયું સોનગઢ, જિ. તાપી)એ વિસરવાડી પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.