સોનગઢ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે. જેમાં ખાડી સાફ્-સફાઈની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારી આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના સભ્ય બાનુબેન શાબાશ ખાન પઠાણે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.


રજૂઆતમાં જણાવાયું છે કે ખાડી સફાઈના કામ માટે આપવામાં આવેલા વર્ક ઓર્ડર અને ટેન્ડર મુજબ સ્થળ પર સંતોષકારક કામગીરી જોવા મળતી નથી. એજન્સી દ્વારા માત્ર ઔપચારિકતા પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વિરોધ પક્ષે માંગ કરી છે કે નગરપાલિકાના તટસ્થ ટેકનિકલ અધિકારી દ્વારા તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા તેમજ ખાડીમાંથી કાઢવામાં આવેલા કચરાના નિકાલ અંગે વિગતવાર તપાસ કરવામાં આવે. સાથે જ ખાડી સફાઈ દરમિયાન દૂર કરાયેલા કચરાના જથ્થા અને ગુણવત્તાનું પંચનામું તૈયાર કરવામાં આવે. રજૂઆતમાં કાચબા ખાડી પાસે દુર્ગા આર્કેડ સામે આવેલી જર્જરિત દીવાલના કાટમાળ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ કાટમાળ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બની શકે છે અને ચોમાસા દરમિયાન વધુ ધોવાણ થવાની સંભાવના હોવાથી તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. બાનુબેન પઠાણે સંબંધિત એજન્સી દ્વારા રજૂ કરાયેલા બિલો અને મેઝરમેન્ટ બુક ની ઝીણવટભરી તકનીકી તેમજ વહીવટી ચકાસણી કરવાની માંગ પણ કરી છે. સ્થળ પર થયેલી વાસ્તવિક કામગીરી અને બિલમાં દર્શાવાયેલી કામગીરી વચ્ચે સુસંગતતા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું અંતિમ બિલ કે ચુકવણું ન કરવાની માંગ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જો ગેરરીતિ, ક્ષતિ અથવા ભ્રષ્ટાચાર સાબિત થાય તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરી સરકારી નાણાંની વસૂલાત કરવાની પણ રજૂઆતમાં માંગ ઉઠાવવામાં આવી છે. અને તપાસ અને કાર્યવાહીની લેખિત માહિતી સાત દિવસમાં આપવા માટે રજૂઆત કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: