સોનગઢ તાલુકામાં સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ નબળી કામગીરીના જીવતા પુરાવા સામે આવી રહ્યા છે. તાલુકાના ગોપાલપુરા ગામ બાદ હવે વાડી રૂપગઢમાં પણ લાખો રૂપિયાના ખર્ચે બનેલી પીવાના પાણીની નવી ઉંચી ટાંકી (ESR) લીકેજ થવાની ઘટના સામે આવી છે.
સરકાર દ્વારા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાતી પાણીની નવી ટાંકીઓ મોટાભાગે લીકેજ નીકળતા, કામ કરનાર એજન્સીની ગુણવત્તા સામે ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. એક તરફ્ કરોડોનો ખર્ચ નકામો સાબિત થઈ રહ્યો છે અને બીજી તરફ્ કાળઝાળ ગરમી વચ્ચે પ્રજાને પાણી માટે રોવાનો વારો આવ્યો છે.
સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વાડી રપગઢ ગામમાં લાંબા સમયથી પાણીની તંગી હોવાથી આ નવી ટાંકી બનતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ટાંકી શરૂ કરવાના પ્રાથમિક ટેસ્ટિંગ અને પ્રયાસો દરમિયાન જ તેમાંથી મોટા પાયે પાણીનું લીકેજ શરૂ થઈ ગયું હતું. હાલ આ ટાંકી માત્ર અડધી ભરેલી હોવા છતાં સતત પાણી વહી રહ્યું છે. આ પરિસ્થિતિ જોતા નબળા બાંધકામને લીધે ભવિષ્યમાં આખી ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તેવો મોટો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. આ બાબતે સોનગઢ પાણી પુરવઠાના અધિકારીએ ફોન પર આ ટેસ્ટીંગ સમયે ટકીમાંથી પાણી લીકીઝ બાબતે કોઈ જવાબ આપ્યો નહતો અને મુદાની વાતથી ભટક્યા હતા
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો