શહેરના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારના જૂના ગામમાં એક પરપ્રાંતીય યુવકની તેના જ રૂમ પાર્ટનરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજગારી મેળવવા પંજાબથી સુરત આવેલા મિત્રો વચ્ચેની આંતરિક અદાવતે લોહીલુહાણ સ્વરૂપ ધારણ કર્યું છે.


પંજાબના વતની ત્રણ યુવકો ભાડે રહેતા 

હજીરાના જૂના ગામના ડેરી ફળિયામાં મેહુલકુમાર છબીલભાઈ પટેલના મકાનમાં પંજાબના વતની એવા ત્રણ યુવકો ભાડે રહેતા હતા. મૃતક શેરાસિંગ હરભજન સિંગ તેના બે સાથીદારો સરબજીત સીંગ અને અમરીક સિંગ સાથે છેલ્લા કેટલાક સમયથી અહીં રહીને મજૂરી કામ કરતો હતો. જોકે, ૧૭મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શેરાસિંગની તેના જ રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો

હત્યારો એટલો ક્રૂર હતો કે તેણે શેરાસિંગના ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી અનેક ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે શેરાસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મકાન માલિકને જાણ થતા તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.

જૂની અદાવત હત્યાનું કારણ?

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, થોડા સમય અગાઉ શેરાસિંગને તેના બંને રૂમ પાર્ટનરો સરબજીત અને અમરીક સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. એ સમયે મામલો શાંત પડી ગયો હતો, પરંતુ બંને આરોપીઓએ મનમાં ખાર રાખી શેરાસિંગને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું. મકાન માલિકની ફરિયાદ મુજબ, અગાઉ થયેલો આ ઝઘડો જ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

પોલીસ કાર્યવાહી હાથ ધરી

હજીરા પોલીસે મકાન માલિક મેહુલકુમાર પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં બંને આરોપી રૂમ પાર્ટનરો શંકાના દાયરામાં છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પંજાબથી સાથે કમાવા આવેલા મિત્રો જ એકબીજાના ખૂની બનતા આ મામલો ભારે ચર્ચામાં રહ્યો છે.


આ પણ વાંચો: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

  • Follow us on: