કતારગામ વિસ્તારમાં આવેલ આંબાતલાવડી રોડ પર ધારા આર્કેડની લિફ્ટ ખોટકાઈ જતા બાળકો, મહિલાઓ અને યુવાનો સહિત કુલ 12 ફસાયા હતા. જેને પગલે ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ થતા સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં આવેલ આંબાતલાવડી રોડ પર આવેલી કોમર્શિયલ ધારા આર્કેડ બિઝનેસ હબ બિલ્ડિંગમાં મંગળવારે રાત્રે લિફ્ટમાં બાળકો સહિત 12 વ્યક્તિઓ નીચે આવતા હતા તે વખતે પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે લિફ્ટ ખોટકાઈ ગઈ હતી. જેને પગલે લિફ્ટના અંદર ફસાયેલા લોકોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. દરમિયાન સ્થાનિકો દ્વારા લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા હતા પણ ખુલ્યો નહતો. ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ગણતરીની મીનીટોમાંજ લિફ્ટનો દરવાજો ફાયરના સાધન વડે ખોલી ફસાયેલા 40 વર્ષીય ભાગ્યશ્રી પાટીલ, 47 વર્ષીય નિકુંજ પાટીલ, 43 વર્ષીય શીતલ પાટીલ, 43 વર્ષીય રૂચિ પાટીલ, 54 વર્ષીય ભારતીબેન પાટીલ, 30 વર્ષીય હેતલ પાટીલ, 21 વર્ષિય ઓમ પાટીલ, 12 વર્ષની વંશિકા પાટીલ, 14 વર્ષીય હરિ પાટીલ, 12 વર્ષની દર્શિની પાટીલ જેવા સગીર બાળકો અને 20 વર્ષીય ભાવેશ દેશમુખ તેમજ 17 વર્ષીય દિવ્યેશ દેશમુખનું રેસ્ક્યું કરાયું હતું.