ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા વેપારીએ એક હૃદયદ્રાવક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો હતો.
રૂ.90 લાખ સામે રૂ.2.5 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
ભોગ બનનાર વેપારીના જણાવ્યા અનુસાર, તેમણે ધંધાર્થે વ્યાજખોરો પાસેથી રૂ. 90 લાખની લોન લીધી હતી. આ રકમ સામે તેમણે અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ પેટે રૂ. 2.5 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. વ્યાજખોરો દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વેપારીએ વીડિયોમાં પોતાની મજબૂરી વ્યક્ત કરતા જણાવ્યું કે, "પૈસા માટેનું બહુ જ પ્રેશર છે, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી."
