સુરતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન દર વર્ષે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે, પરંતુ આ વર્ષે જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના માસૂમ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આનંદ વિલા સોસાયટીમાં બની ઘટના

આ કરુણ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આનંદ વિલા સોસાયટીમાં બની હતી. મળતી માહિતી મુજબ, 8 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો. આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ હતી. બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું.

CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના

આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યો હતો અને અચાનક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીના વેચાણ પણ સવાલ

આ ઘટના ફરી એકવાર પતંગબાજીમાં વપરાતા ચાઇનીઝ કે કાચ વાળા ઘાતક દોરા સામે લાલબત્તી ધરે છે. સોસાયટીના રહીશો અને સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: