સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પરબ ગામે આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં ડમ્પર ચાલકની બેદરકારીને કારણે માત્ર 3 વર્ષની માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રમત-રમતમાં કાળ બનીને આવેલા ડમ્પરે શ્રમિક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.


સુરતમાં ડમ્પર અડફેટે 3 વર્ષીય બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના પરબ ગામે આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માં એક શ્રમિક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. માતા-પિતા જ્યારે મજૂરી કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમની 3 વર્ષની માસૂમ બાળકી અન્ય બાળકો સાથે નજીકમાં જ રમી રહી હતી. આ દરમિયાન ત્યાં ઉભેલા એક ડમ્પરના ચાલકે પાછળ જોયા વગર કે કોઈ પણ પ્રકારની તકેદારી રાખ્યા વિના અચાનક ડમ્પર રિવર્સ લીધું હતું. રમતમાં મશગૂલ બાળકી આ ડમ્પરના ટાયર નીચે આવી ગઈ હતી.

ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે કાળજાના ટુકડાને લોહીલુહાણ હાલતમાં જોઈ માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ડમ્પર ચાલકની સાધારણ બેદરકારી એક માસૂમ માટે જીવલેણ સાબિત થઈ હતી.

પોલીસ કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ કામરેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: