સુરતમાં યુવાનોને નશાના રવાડે ચડાવતા ગેરકાયદેસર સીરપના વેચાણ પર લિંબાયત પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે રાકેશ ગોરખ શિંદે નામનો એક વ્યક્તિ તેના બર્ગમન મોપેડ પર નશાકારક સીરપનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે લિંબાયત વિસ્તારની મીઠી ખાડી નજીક છટકું ગોઠવ્યું હતું.


સુરતમાં નશાકારક સીરપનું વેચાણ

પોલીસે શંકાસ્પદ મોપેડ અને તેના ચાલક રાકેશ ગોરખ શિંદેને ઝડપી પાડ્યો હતો. મોપેડની તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોપેડમાંથી 79 જેટલી કોડીન સીરપ ની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. પોલીસે તાત્કાલિક રાકેશ શિંદેની ધરપકડ કરી હતી અને આ નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

લિંબાયતમાંથી 79 સીરપ સાથે આરોપીની ધરપકડ

આરોપી રાકેશ શિંદે મોપેડ પર છૂપી રીતે ફરીને યુવાનો અને જરૂરિયાતમંદોને આ નશાકારક સીરપનું વેચાણ કરતો હતો. હાલ લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલી મોટી માત્રામાં નશાકારક સીરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કયા કયા વિસ્તારોમાં અને કોને કોને આ સીરપ સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ કે મેડિકલ સ્ટોર સંચાલકોની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: