સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ખટોદરા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલાનું કારણ પારિવારિક ઝઘડો અને આવેશ
ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ના જણાવ્યા મુજબ, આરોપી ચેતન સોલંકી અને ઇકબાલ કડીવાલા એકબીજાને અગાઉથી ઓળખતા હતા. આરોપી ચેતનને તેની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડો ચાલતો હતો. ચેતન આ પારિવારિક મામલે સમાધાન કરાવવા માટે ઇકબાલ કડીવાલા પાસે ગયો હતો અને મદદ માંગી હતી. જોકે, ઇકબાલભાઈએ આ બાબતે સમાધાન કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. સમાધાનનો ઇનકાર કરતા જ ચેતન સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને ઇકબાલ કડીવાલા પર હુમલો કરી દીધો હતો.










