સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલી એક સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડરના ઘરમાંથી મોટી ચોરી થતાં સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તસ્કરો બિલ્ડરના ઘરમાંથી રૂપિયા 48 લાખની મસમોટી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી રકમની ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી.
100 સીસીટીવી કેમેરાની મદદથી આરોપી ટ્રેક થયો
ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કઈ દિશામાં ભાગ્યો છે તે જાણવા માટે પોલીસે બિલ્ડરના ઘરની આસપાસના તેમજ શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા આશરે 100 જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા. સીસીટીવીની કડીઓ જોડતાં જોડતાં પોલીસ એક શંકાસ્પદ બાઇક સવાર સુધી પહોંચી હતી, જેની ઓળખ સુરતના કુખ્યાત અને નામચીન તસ્કર દેવરાજ પાટીલ તરીકે થઈ હતી. પોલીસે વિલંબ કર્યા વિના ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેવરાજ પાટીલને રાઉન્ડઅપ કરી લીધો હતો.
